વ્યંઢળ નપુંસક નાર નહિ, પુરુષા પાંખ્યું માં
એ આશ્રર્ય સંસાર, શ્રૃતિ સ્મૃતિએ ભાખ્યાં માં…૪૦
જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુગતી માં
માતા મોટે મહિમાય, ઈન્દ્ર કથે યુક્તિ માં…૪૧
મેરામણ મથ મેર, કીધો રવૈયો સ્થિર માં
આકર્ષણ એક તેર, વાસુકિના નેતર માં…૪૨
સુર સંકટ હરનાર સેવકને સન્મુખ માં
અવિગત અગમ અપાર, આનંદા અધિસુખ માં…૪૩
સનકાદિક મુનિ સાથ, સેવી વિધ વિધેં માં
આરાધી નવનાથ; ચોરાશી સિધ્ધે માં…૪૪
આવી અયોધ્યા ઈશ, નામી શીશ વળ્યા માં
દશમસ્તક ભુજ વીશ, છેદી સીતા મળ્યા માં…૪૫
નૃપ ભીમકની કુમારી, તમ પૂજ્યે પામી માં
રૂક્ષમણિ રમણ મોરાર, મનગમતો સ્વામી માં …૪૬
રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે માં
સંવત્સર એકબાર, વામ્યા તમ અંગે માં…૪૭
બાંધ્યો તનપ્રદ્યુમન, છુટૅ નહી કોઈથી માં
સમરિપુરી શંખલ ગયો કારાગૃહેથી માં…૪૮
વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાંખી માં
શક્તિ સકળ મંડાણ, સર્વ રહ્યાં રાખી માં…૪૯
જે જે જગ્યા જોઈ, ત્યાં ત્યાં તું તેવી માં
સમ વિભ્રમ મતિ ખોઈ, કહી ન શકું કેવી માં…૫૦
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવની માં
આધ્ય મધ્ય અવસાન, આકાશે અવની માં…૫૧
તિમિર હરણ શશિશૂર, તે તારો ધોખો માં
અમિ અગ્નિ ભરપુર, થઈ પોખો શોખો માં…૫૨
ષટ ઋતુ રસમાસ, દ્વાદશ પ્રતિબંઘે માં
અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસંઘે માં…૫૩
ધરતી તું ધન ધાન્ય, ધ્યાન ધરે નાવે માં
પાલન પ્રજા પ્રજન્ય, અણ ચિંતવે આવે માં…૫૪
સકળ શ્રેષ્ઠ સુખદાઈ, પચ દધિ ધૃતમાંહે માં
સર્વે રસ સરસાઈ, તુજ વિણ નહિ કાંઈ માં…૫૫
સુખ દુઃખ બે સંસાર, તારા ઉપજાવ્યાં માં
બુદ્ધિ બળને બલીહારી, ઘણું ડાહ્યા વાહ્યા માં…૫૬
ક્ષુદ્યા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃધ્ધા માં
શાંતિ શૌર્ય ક્ષમાય; તું સઘળે શ્રધ્ધા માં…૫૭
કામ ક્રોધ મોહ લોભ, મદ મત્સર મમતા માં
તૃષ્ણા સ્થિર થઇ ક્ષોભ શાંતિ ને ક્ષમતા માં…૫૮
ધર્મ અર્થ ને કામ; મોક્ષ તું મંમાયા માં
વિશ્વતણો વિશ્રામ; ઉર અંતર છાયા માં…૫૯
ઉદય ઉદારણ અસ્ત, આદ્ય અનાદિથી માં
ભાષા ભૂર સમસ્ત, વાક્ય વિવાદેની માં…૬૦
હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિતતું માં
ભાવ ભેદ નિજ ભાસ્ય, ભ્રાન્ત ભલી ચિત્ત તું માં…૬૧
ગીત નૃત્ય વાજિંત્ર તાલ તાન માને માં
વાણી વિવિધ વિચિત્ર ગુણ અગણિત ગાને માં…૬૨
રતિરસ વિવિધ વિલાસ, આશા સકળ જગની માં
તન મન મધ્યે વાસ, મહમાયા મગની માં…૬૩
જાણે અજાણે જગત, બે બાઘા જાણે માં
જીવ સકળ આસક્ત, સહુ સરખું માણે માં…૬૪
વિવિધ ભોગ મરજાદ, જગ દાખ્યું ચાખ્યું માં
ગરથ સુણતાં તે સ્વાદ, પદ પોતે રાખ્યું માં…૬૫
જડ થડ શાખ પત્ર, પુષ્પ ફળે ફળતી માં
પરમાણું એક માત્ર, ઇતે વાસર ચળતી માં…૬૬
નિપટ અટપટી વાત, નામ કહું કોનુ માં
સરજી સાતે ઘાત, માત અધીક સોનુ માં…૬૭
રત્ન મણિ માણેક, નંગ મુકીયાં મુક્તા માં
આભા અધિક અટંક, અન્ય ન સંયુક્તા માં…૬૮
નીલ પિત આરક્ત, શ્યામ શ્વેત સરખી માં
ઉભય વ્યક્ત-અવ્યક્ત, જગતજને નિરખી માં…૬૯
નગજે અધિકુળ આઠ, હિમાચલ આઘે માં
પવન ગવન ઠઠિ ઠાઠ, તું રચીતા સાધે માં…૭૦
વાપી-કૂપ તળાવ, તું સરિતા સિંધુ માં
જળતારણ જેમ નાવ, ત્યમ તારણ બધું માં…૭૧
વનસ્પતિ ભાર અઢાર, ભૂ ઉપર ઉભાં માં
કૃત કૃત તું કિરતાર કોશ વિઘાં કુંભાં માં…૭૨
જડ ચેતન અભિધાન, અંશ અંશ ધારી માં
માનવી મોંટે માન એ કરણી તારી માં…૭૩
વર્ણ ચાર નિજ કર્મ, ધર્મ સહિત સ્થાપી માં
બે ને બાર અપર્મ, અનુચર વર આપી માં…૭૪
વાંડવ વન્હિ નિવાસ, મુખ માતા પોતે માં
તૃપ્તે તૃપ્તે ગ્રાસ, માત જગન્ન જ્યોતે માં…૭૫
લક્ષ ચોરાશી જન, સહુ તારા કીધાં માં
આણ્યો અસુરનો અંત, દંડ ભલા દીધા માં…૭૬
દુષ્ટ દમ્યાં કઈ વાર, દારૂણ દુઃખ દેતા માં
દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞ લેતા માં…૭૭
સુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુળ લીધું માં
ભૂમી તણો શિરભાર, હરવા મન કીધું માં…૭૮
બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા માં
સંત કરણ ભવ પાર, સાધ્ય કરે સ્વાહા માં…૭૯
અધમ ઉધારણહાર, આસન થી ઉઠી માં
રાખણ યુગ વ્યવહાર, બદ્ધ બાંધી મુઠી માં…૮૦
આણી મન આનંદ મા, માંડે પગલાં માં
તેજ કિરણ રવિચંદ, દે નાના ડગલાં માં…૮૧
ભર્યા કદમ બે ચાર, મદ માતી મદભર માં
મન માં કરી વિચાર, તેડાવ્યો અનુચર માં…૮૨
કુરકટ કરી આરોહ, કરૂણાકર ચાલી માં
નખ પંખીમય મેલ્યા પગ પૃથ્વી હાલી માં…૮૩
ઉડી ને આકાશ, થઈ અદ્ભુત આવ્યો માં
અધક્ષણમા એક શ્વાસ, અવનીતળ લાવ્યો માં…૮૪
પાપી કરણ નિપાત, પૃથ્વી પડ માંહે માં
ગોઠ્યું મન ગુજરાત, ભીલાં ભડ માંહે માં….૮૫
ભોળી ભવાની માય; ભાવ ભર્યા ભાલે માં
કીધી ઘણી કૃપાય, ચુંવાળે આળે માં…૮૬
નવખંડ ન્યારી નેટ, નજર વજર પેઠી માં
ત્રણે ગામ તરભેટ, ઠેઠ અડી બેઠી માં…૮૭
સેવક સારણ કાજ, શંખલપૂર છેડે માં
ઉઠ્યો એક આવાજ, દેડાણા નેડે માં…૮૮
આવ્યા શરણા શરણ, અતિ આનંદ ભર્યો માં
ઉદિત મુંદિત રવિ કિર્ણ, દશ દીશ યસ પ્રસર્યો માં…૮૯
સકળ સમૃદ્ધ સુખમાત, બેઠાં ચિત સ્થિર થઈ માં
વસુધા મધ્ય વિખ્યાત, વાત વાયુવિધ ગઈ માં…૯૦
જાણે સહુ જગ જોર, જગજનની જોખે માં
અધિક ઉડાડ્યો શોર, વાસ કરી ગોખે માં…૯૧
ચાર ખુંટ ચોખાણ, ચર્ચા એ ચાલી માં
જન જન પ્રતિમુખ વાણ, બહુચર બિરદાળી માં…૯૨
ઉદો ઉદો જય કાર, કીધો નવ ખંડે માં
મંગલ વર્ત્યા ચાર, ચૌદે બ્રહ્માંડે માં…૯૩
ગાજ્યા સાગર સાત, દુધે મેહ ઉઠ્યા માં
અધર્મ ધર્મ ઉત્પાત, સહુ કીધા જુઠ્ઠા માં…૯૪
હરખ્યા સુર નર નાર, મુખ જોઈ માતાનું માં
અવલોકી અનુરાગ, મુનિ મન સરખાનું માં…૯૫
નવગૃહ નમવા પાય પાગ્ય, પાગ પળી આવ્યા માં
ઉપર ઉતારવા કાજ, મણિમુક્તા લાવ્યા માં…૯૬
દશ દિશના દિગપાળ, દેખી દુઃખ વામ્યાં માં
જન્મ મરણ જંજાળ, જીતી સુખ પામ્યા માં…૯૭
ગુણ ગાંધર્વ યશ ગાન, નૃત્ય કરે રંભા માં
સ્વર સુણતાં તે કાન, ગતિ થઈ ગઈ સ્થંભા માં…૯૮
ગુણ નિધિ ગરબો જેહ, બહુચર માત કેરો માં
ધારે ધરીને દેહ, સફળ ફરે ફેરો માં….૯૯
પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતાં માં
ના આવે ઉન્હી આંચ, દાવાનળ બળતાં માં…૧૦૦
શસ્ત્ર ન ભેદે અંગ, આદ્યશક્તિ રાખે માં
નિત નિત નવલે રંગ શમ દમ કર્મ પાખે માં…૧૦૧
જળ જે અનધ અગાધ ઉતારે બેડે માં
ક્ષણ ક્ષણ નિશદિન પ્રાત, ભવ સંકટ ફેડે માં…૧૦૨
ભુત પ્રેત જાંબુક, વ્યંતર ડાકેણી માં
ના આવે આડી અચુક, શામાં શાકેણી માં…૧૦૩
ચરણ કરણ ગતિ ભંગ, ખંગ પુંગ વાળે માં
ગુંગ મુંગ મુખ અંગ, અબધ બધી ટાળે માં…૧૦૪
સેંણ વિહોણા નેણ, નેણા તું આપે માં
પુત્ર વિહોણાં કેણ, મેણાં તું કાપે માં…૧૦૫
કળી કલ્પતરૂ ઝાડ, જે જાણે તે ને માં
ભક્ત લડાવે લાડ, પાડ વિના કે ને માં…૧૦૬
પ્રકટ પુરૂષ પુરૂષાઈ, તું આલે પલમાં માં
ઠાલે ઘેર ઠકુરાઈ, દો દલ હલબલમાં માં…૧૦૭
નિર્ધન ને ધન પાત્ર તે, કરતાં તું છે માં
રોગ દોષ દુઃખ માત્ર, તું હરતાં તું છે માં…૧૦૮
હય ગજ રથ સુખપાલ, આલ વિના અજરે માં
બરદે બહુચર બાળ, ન્યાલ કરે નજરે માં…૧૦૯
ધર્મ ધ્વજા ધન ધાન્ય, ન ટળે ધામ થકી માં
મહિપત મુખ દે માન માના નામ થકી માં…૧૧૦
નર નારી ધરી દેહ, હેતે જે ગાશે માં
કુમતિ કર્મ કુત ખેહ, થઈ ઉડી જાશે માં…૧૧૧
ભગવતિ ગીત ચરિત્ર, જે સુણશે કાને માં
થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને માં…૧૧૨
તુંથી નથી કઈ વસ્ત, જેથી તું તરપુ માં
પૂરણ પ્રગટ પ્રશશ્ત, શ્રી ઉપમા અરર્પું માં…૧૧૩
વારં વાર પ્રણામ. કર જોડી કીજે માં
નિર્મળ નિશ્રય નામ, જનનીનુ લીજે માં…૧૧૪
નમો નમો જગ માત, સહસ્ત્ર નામ તારાં માં
માત તાત ને ભ્રાત, તું સર્વે મારા માં…૧૧૫
સંવત શતદશ સાત, નવ ફાલ્ગુન સુદે માં
તિથી તૃતિયા વિખ્યાત, શુભ વાસર બુધ્ધે માં…૧૧૬
રાજ નગર નિજ ધામ, પુરે નવિન મધ્યે માં
આઈ આદ્યવિશ્રામ, જાણે જગત મધ્યે માં…૧૧૭
કરત દુર્લભ સુર્લભ, રહું છું છેવાંડો માં
કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો માં…૧૧૮
કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો માં
કર જોડી સેવક કહે બહુચર તારો માં
કર જોડી સેવક કહે બહુચર તારો માં
બાળ કરી સંભાળ તમ ચરણે રાખો માં
આઈ આજ મુને આનંદ વદ્યો અતિ ઘણો માં
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો માં
અલવે આણ પંપાળ, અપેક્ષા આણી માં
છો ઈચ્છા પ્રતિપાણ, દ્યો અમૃતવાણી માં
સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો માં
બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો માં
બાળ કરી સંભાળ તમ ચરણે રાખો માં
બાળ કરી સંભાળ તમ ચરણે રાખો માં
બાળ કરી સંભાળ તમ ચરણે રાખો માં
Comments
Post a Comment